વર્ષોથી જેની સાથે રહો છો તે કોરોના પોઝિટિવ આવે તો દૂર ના ભાગો,તેમને જીવન જરૂરી ચીજો પહોંચાડો….

વર્ષોથી જેની સાથે રહો છો તે કોરોના પોઝિટિવ આવે તો દૂર ના ભાગો,તેમને જીવન જરૂરી ચીજો પહોંચાડો….

પોતાના વોર્ડના લોકોની મદદ કરવામાં પરિવાર સહિત કોરોનાનો શિકાર બનેલા ઇસનપુરના કોર્પોરેટર પુલકિત વ્યાસ જણાવે છે, 12 જુલાઇએ મને અને મારી પત્નીને કોરોના પોઝિટિવ આવ્યો. હું કોર્પોરેટર છું, એટલે લોકડાઉન થયું એ દિવસથી વિવિધ સોસાયટીમાં લોકો વચ્ચે જવાનું થાય. એક પણ દિવસ ઘરે આરામ કર્યો નથી. આ પહેલાં પણ મેં અગમચેતીના પગલે ત્રણ વખત કોરોના ટેસ્ટ કરાવેલો એ નેગેટિવ આવ્યો હતો. મારી AMCની રામવાડીની ઓફિસની બાજુમાં અર્બન હેલ્થ સેન્ટર છે. એમાં જ મેં ટેસ્ટ કરાવ્યા હતાં. કોઈ મિત્રોનો ને ઓળખીતાનો ફોન આવે કે ટેસ્ટ કરાવવો છે, તો આપણે બોલાવીએ અને લક્ષણો ના હોય તો એમની સાથે બેસીને ચા પણ પીધી હોય અને પછી પણ જો એ વ્યક્તિનો ટેસ્ટ પોઝિટિવ આવે તો આપણે શું કરી શકીએ!

મને અને મારી પત્નીને બંનને તાવ આવ્યો અને શરીર દુ:ખતું હતું. મારા ઘરમાં હું, મારી પત્ની અને દીકરી ત્રણ જ છીએ. પહેલાં અમને બંનેને પોઝિટિવ આવ્યો. પછી મારી 17 વર્ષની દીકરીને પણ આવ્યો. અમે ત્રણેય હોમ કોરેન્ટાઈન થયાં હતાં. અમે 14 દિવસ કોરેન્ટાઈન રહ્યાં ત્યાં સુધી રોજ અમારી તપાસ કરવા માટે એસવીપીની ટીમ આવતી હતી.

હું તો ઘણા લોકોને મળતો અને મદદ પણ કરતો તેથી મને પોઝિટિવ આવ્યો તો કોઈ ડર નહોતો લાગ્યો પણ જ્યારે મારી દીકરીને પોઝિટિવ આવ્યો ત્યારે ડર લાગેલો અને થોડી ચિંતા થઈ હતી. એ ધો-૧૨માં છે, એને ઓનલાઇન ભણવાનું ચાલું હતું. મારે મેડિસીનનો બિઝનેસ છે એટલે ડોક્ટર્સના સંપર્કમાં હતા. તે ઉપરાંત હું તો દરેક વ્યક્તિને એવી સલાહ આપું છું કે, ઘરમાં એક ઓક્સોપલ્સ મીટર રાખો.

અમે પહેલાં પણ બધી જ કાળજી રાખતાં હતાં, ઉકાળા, નાસ, માસ્ક, સમસમનીવટી બધું જ કરતાં અને આજે પણ કરીએ છીએ. તેથી ક્યારેક એવું લાગે કે આટલું કરતાં તેમ છતાં આપણને કઈ રીતે પોઝિટિવ આવ્યો. 14 દિવસમાં પણ મેં એક પણ દિવસ કામ બંધ નથી કર્યું. કારણ કે, કોઈપણ સોસાયટીમાં પોઝિટિવ કેસ આવે એટલે સોસાયટી સેનિટાઇઝ કરાવવાના ફોન આવે, મારે ત્યાં સેનિટાઇઝેશનની ટીમ મોકલવી પડે. મેં ઘેર બેસીને AMCની મીટિંગ પણ અટેન્ડ કરી છે.

મને આસપાસના લોકો અને સંબંધીઓએ પણ બહુ જ મદદ કરી, ઘણા લોકોના ટિફિન માટે પણ ફોન આવતા. પહેલાં મારી દીકરીને પોઝિટિવ આવ્યો એ ન ખબર હોય તો અમુક લોકોનો એમ પણ ફોન આવતો હતો કે તેને અમારા ઘેર રહેવા મોકલી દો. મને AMCના અમારા અધિકારીઓના પણ ફોન આવ્યા છે કે કંઈ પણ કામ હોય તો કહેજો. શરૂઆતમાં એવું હતું કે લોકો કોઈને પોઝિટિવ આવે તો સહકાર આપતા નહોતા. હું મારા વિસ્તારમાં ઘણા લોકોને ઠપકો પણ આપતો, કે તમે જેની સાથે 20-30 વર્ષથી રહો છો અને આજે એમની સ્થિતિ આવી થઈ છે, તો તમે કમસે કમ જમવાનું બનાવીને એમના ઘરની બહાર તો મૂકો. ઘણી સોસાયટીમાં કેસ આવે તો હું કહેતો કે તમે જે તે પોઝિટિવ દર્દીના ઘરની બહાર શાકભાજી અને દૂધ મૂકી આવો, કોઈ ચિંતા ન કરો અને માણસાઈ રાખો. આ જ રીતે અમને પણ લોકોનો સપોર્ટ મળ્યો છે. મને જે મળે એ બધાને હું એ જ કહું છું કે તકલીફ ન હોય તો ઘેર રહો. AMCમાંથી જ ટેસ્ટ કરાવો અને AMCની ટીમ તમને તરત જ દવાઓ આપી જ જશે અને તમે ઘેર રહીને સારા થઈ શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *